મળી માતૃભાષા મને ગૂજરાતી
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પના ભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી.
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી.
-શ્રી ઉમાશંકર જોશી